“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!”
આ ગીત ભાગ્યે જ કોઇએ નહિં સાંભળ્યું હોય ! આ ગીતના રચિયતા કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાને નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ પૂ. મોરારી બાપુ દ્વારા એનાયત થશે.
નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાતી સાહિત્યનો અપાતો સૌથી મોટું પુરસ્કાર – એવોર્ડ છે. નરસિંહ મહેતા એવોર્ડમાં સન્માનિત કવિશ્રીને રૂ. ૧,૫૧,૦૦૦/-ની રાશી આપવામાં આવે છે. નરસિંહ મહેતા એવોર્ડ કવિને તેના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ પૂ. મોરારી બાપુનાં હસ્તે આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ એવોર્ડ રૂપાયતન – ગીરનારની ગોદમાં આપવામાં આવે છે. પરંતુ આ વખતે, પૂ. બાપુની કથા સોમનાથ ખાતે હોઇ, આ રૂડા અવસરે જ આ એવોર્ડ આપવાનું રાખેલ છે. આગામી તા. ૦૮-૧૦-૨૦૧૧ થી મોરારી બાપુની રામકથા સોમનાથ ખાતે પત્રકારો દ્વારા યોજાનાર છે. આ કથામાં તા. ૧૧ ના રોજ કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર – નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.
નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવોઃ
- વર્ષ ૧૯૯૯ – રાજેન્દ્ર શાહ
- વર્ષ ૨૦૦૦ – મકરંદ દવે
- વર્ષ ૨૦૦૧ – નિરંજન ભગત
- વર્ષ ૨૦૦૨ – અમૃત ઘાયલ
- વર્ષ ૨૦૦૩ – જયંત પાઠક
- વર્ષ ૨૦૦૪ – રમેશ પારેખ
- વર્ષ ૨૦૦૫ – ચંદ્રકાન્ત શેઠ
- વર્ષ ૨૦૦૬ – રાજેન્દ્ર શુક્લ
- વર્ષ ૨૦૦૭ – સુરેશ દલાલ
- વર્ષ ૨૦૦૮ – ચિનુ મોદી
- વર્ષ ૨૦૦૯ – ભગવતીકુમાર શર્મા
- વર્ષ ૨૦૧૦ – અનિલ જોશી
ભાનુપ્રસાદ પંડ્યાઃ

જન્મઃ ૨૪-૦૪-૧૯૩૨
ગામઃ તોરી (અમરેલી)
કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’
અંધ જનનું ગીતઃ
દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધીને
તોય પગરવની દુનિયા અમારી!
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર,
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથીને છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!
ફૂલોના રંગો રિસાઇ ગયા,
જાળવતી નાતા આ સામટી સુગંધ,
સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !
