કથાનિધિ ગિરનાર – નરોત્તમ પલાણ

૪૬મું ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અહીં રૂપાયતન ખાતે તા. ૨૪-૨૫-૨૬ દરમિયાન યોજાઈ ગયું. આ અધિવેશનમાં રૂપાયતન દ્વારા બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું. એક ‘પૂ. બાપુ થી પ્યારા બાપુ’ અને ‘જાજવલ્યમાન જૂનાગઢ’. આ ‘જાજવલ્યમાન જૂનાગઢ’ પુસ્તકમાંથી શ્રી નરોત્તમ પલાણ દ્વારા લિખીત ‘કથાનિધિ ગિરનાર’લખવાનું નક્કી કર્યું હતું. આ લેખને કોમ્પ્યુટરમાં લખતાં બે રવિવાર થયા છે. પુરાતત્ત્વવિદ શ્રી નરોત્તમ પલાણે બહુ જ શંશોધન કર્યું છે. તેઓએ ઈતિહાસ, પુરાતત્ત્વ જેવા વિષયો પર ઘણા પુસ્તકો લખ્યા છે. વધુ વાંચો: ગુજરાતી પ્રતિભા પરિચય પર શ્રી નરોત્તમ પલાણનો પરિચય

ગિરનાર પર્વત

કથાનિધિ ગિરનાર


નરોત્તમ પલાણ

ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ ગિરનાર સાથે જોડાયેલા છે. એક અનુમાન એવું છે કે છેલ્લા ૨૫ હજાર વર્ષ આપણા પૌરાણિક સાહિત્યના છે. આ સાહિત્યમાં જૂનામાં જૂની કથાઓ સૂર્યપરિવાર સાથે સંકળાયેલી છે. ગિરનારનું એક નામ ‘રૈવંતગિરી’ સૂર્યનો અર્થ પણ ધરાવે છે. વૈદિક ૠષિકથાઓમાંથી ભૃગુ અને ચ્યવન કથાઓ, મહાભારતની પાંડવકથા, કૃષ્ણકથા અને અશ્વત્થામાકથા, રામાયણની રામ-લક્ષ્મણ અને ‘હનુમાનધારા’ની કથાઓ તેમજ પુરાણોની શૈવકથા, શાક્તકથા, મૃગીકથા, મુચકંદકથા, રેવતીકથા અને ભૂતપ્રેત સંબંધી કાલી અને મહાકાલી કથાઓ, પાંડવગુફા અને કાલિકા, અનસૂયા સાથે સંબંધી કથાઓ – લગભગ પ્રત્યેક દેવીદેવતાઓની કોઇને કોઇ કથા ગિરનાર સાથે જોડાયેલી છે. યોગમાર્ગમાં જેની સર્વોચ્ચ દેવ તરીકે આગતાસ્વાગતા અને પૂજાઆરાધના રહે છે તે ભગવાન દત્તાત્રેય ગિરનારના કથાનિધિમાં કેન્દ્રસ્થાને છે. દત્ત જેમ યોગીના અને નાથના ગુરુ છે, તેમ ભૂતપ્રેત, ડેણ-ડાકણ-સાકણના નિવારણકર્તા અને મોક્ષદાતા છે. માનસિક ભ્રમણાઓ જે યોગસાધના દ્વારા વિગલન પામે છે તે ગુરુ દત્ત સાથે જોડાયેલી સર્વ તાંત્રિક સાધનાઓની રહસ્યમય કથાઓનો આધાર પણ દત્ત છે. ગુજરાતી ભાષાની એકમાત્ર ચૂડકથા (‘ચૂડાવિજોગણ’) આખરે ગિરનારના દત્ત શિખર પર આવીને વિરમે છે.

ગિરનાર કથાનિધિ છે, તેમાં અર્ધ પૌરાણિક અને અર્ધ ઐતિહાસિક કથાઓનો પણ પાર નથી. પરદુ:ખભંજક રાજા વિક્રમ અતે તેનો મોટો ભાઇ ભરથરી ગિરનાર સાથે પણ સંકળાયેલ છે. ઉજ્જેયિનીનું રાજપાટ છોડીને ભરથરી ગિરનારમાં તપ કરવા આવેલા તેની ભરથરી ગુફા તથા ભરથરી સ્થાન આજે પણ યાત્રાનો મહિમા ધરાવે છે. મહિમા તો એવો છે કે હજુ આજે પણ દર શિવરાત્રીએ મેળા દરમિયાન નાથ સાધુઓ સાથે ભરથરી અને ગોપીચંદ પણ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે ! ગિરનાર પગથિયે આવેલી ભરથરી ગુફામાં આજે તો આરસપહાણની ભરથરીની પ્રતિમાનું સ્થાન પણ થયેલું છે. ગોરખનાથે સ્થાપેલી આરાપંથની એક ગાદી પણ આ ગુફા પાસે છે. છેલ્લા બસો વર્ષોથી અહીં નાથસાધુઓની પરંપરા ગાદીપતિ છે. કાળવાચોકમાં આવેલ નાથદલિચો આ ગુફાનો વહીવટ સંભાળે છે.

મચ્છેન્દ્રનાથ અને ગોરખનાથની કથાઓ ગિરનાર ઉપર ગોરખનાથની ટૂક સાથે, તેમજ ગિરનાર પરકમ્મા માર્ગમાં અનેક સ્થળે છે. વિક્રમનો સાથી વેતાળ ભટ્ટ મૂળ ગિરનારનો છે. પગથિયાં પાસેની ‘ચડાવાવ’ મૂળમાં ‘વેતાળવાવ’ છે. તે અવગતે ગયેલો શક્તિશાળી જીવ છે. વીર વિક્રમે તેને વશ કર્યો અને અશક્ત યાત્રાળુઓને પોતાના ખંભે સેસાડીને અંબાજીની યાત્રા કરાવવાનું કામ સોંપ્યું. આજની વાવ ઉત્તર ગુજરાતના પાટણના રાજમાતા મીનળદેવીએ બંધાવ્યાની માન્યતા છે. મીનળદેવી વેતાળ સ્થાનની ડોળીમાં બેઠા હતા. આ સમયે ડોળી માટેની કોઇ વ્યવસ્થા થઇ હશે અને યાત્રાળુઓ ડોળીમાં ચડતા હશે તે ઉપરથી ‘ચડાવાવ’ એવું એનું નામ પ્રચારમાં આવેલું જણાય છે.

વિક્રમ સાથે સંબંધિત એક વિરલકથા પણ ગિરનાર સાથે જોડાયેલી છે. કહે છે કે વિક્રમના દરબારમાં નવ રત્નો હતા. આ નવરત્નોમાંના એકની ચમત્કારિક કથા સોનરેખ ઉપર આવેલાં ‘નારાયણધરો’ સાથે સંકળાયેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રીજી મહારાજે અહીં સ્નાન કરેલું એટલે હાલ, આ ‘ધરો’ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘પ્રસાદી’રૂપ મનાય છે. અને એનો વિશેષ મહિમા સાંપ્રદાયિક તીર્થ તરીકે છે; પરંતુ પૌરાણિક કથા બ્રહ્માજી સાથે અને ઐતિહાસિક કથા કર્પરનાથ સાથે સંકળાયેલી છે. બ્રહ્માજીએ જીવંત શ્રાદ્ધ (ઘટપર્યસન) અહીં કરેલું. કર્પર નામના નાથ સાધુએ ઘડાની ઠીકરીના પાણીથી કાંઠે બેઠા બેઠા ચમત્કારિક સ્નાન કરેલું. ’કર્પરનાથ’ એટલે ઠીકરીનાથ. નાથ સાધુઓ માને છે કે ઠીકરીનાથ વિક્રમના દરબારમાં એક રત્ન હતા. વાસ્તવમાં આ કથાઓ વિકૃત થયેલી એક ઐતિહાસિક ઘટનાનું બીજ ધરાવે છે. વિક્રમના નવરત્નોમાં કાલિદાસ અને વરાહમિહિર એટલા પ્રસિદ્ધ છે કે પછીના રત્નોના નામ સુદ્ધાં વિસારે પડેલાં છે. સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ મુજબ મહાકવિ કાલિદાસની સાથે ‘ઘટકર્પર’ નામના એક બીજા કવિ પણ હતા, જેણે ‘મેઘદુત’ની પહેલા એક ‘દૂતકાવ્ય’ લખેલું છે. આ કવિએ દૂતકાવ્ય લખ્યા પછી જાહેર કરેલું કે આ કાવ્યની તોલે આવે એવું કાવ્ય જો કોઇ કવિ રચી શકશે તો પોતે તે કવિ માટે ઘડાની ઠીકરીમાં પાણી ભરીને લાવી આપશે. કવિની આવી પ્રતિજ્ઞાથી જ તેનું નામ ‘ઘટકર્પર’ (ઘડાની ઠીકરી) એવું પ્રચલિત થઇ ગયેલું છે ! કથા સાહિત્યની આવી વિચિત્રતાઓનો ભંડાર ગિરનાર છે.

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ – એ ત્રણે દેવોની અનેકવિધ પરિવારકથાઓથી માંડીને ૠષિમુનિઓ અને વ્યંતરદેવ પરિવાર તથા ભૂતપ્રેત સંબંધી અશરીરિ ચમત્કાર કથાઓ સાથે શાર્યાતો, હૈહયો અને યાદવોની વંશકથાઓ, આચાર્યો – સંતભક્તો અને ભિન્ન ભિન્ન અનેક સંપ્રદાયોની કથાવાર્તા ગિરનારના ભંડારમાં ભરી પડી છે.

બ્રાહ્મણ પરંપરાની આ કથાઓ સાથે જ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીના સમ્રાટ અશોકથી છેક દશમી સદીના અંત સુધીની આશરે દોઢેક હજાર વર્ષના કાળપટ ઉપર બૌદ્ધધર્મ અને તત્સબંધી કથાઓની બોલબાલા ગિરનારમાં રહી હશે – એવા અનુમાનોને પોષક સંખ્યાબંધ પુરાવશેષો આજે ગિરનારમાં પ્રાપ્ત છે. બૌદ્ધ ધર્મના સોણ, અસંગ અને બપ્પ ગિરનારમાં આવ્યાની કથા તો આજે પણ સાંભળવા – વાંચવા મળે છે.ઈંટવા અને લાખામેડીના બૌદ્ધસ્તૂપો સાથે જોડાયલી બૌદ્ધ કથાઓ આપણા ઈતિહાસ ગ્રંથોમાં છે. નહપાન, સાતવાહન જેવા નરેશો અને વિષ્ણુગુપ્ત જેવા સુબાઓની કથા પણ છે. બૌદ્ધકથાઓનો આ સમૃદ્ધ ભંડાર આપણા સુધી પંહોચે તેની પહેલા કાં લુપ્ત થયેલો છે, કાં ગુપ્ત હાલતમાં બૌદ્ધ હસ્તપ્રતોમાં પડેલો છે. નવમી સદીના શંકરાચાર્યજીએ બૌદ્ધધર્મ અને કથાઓ ઉપર ઢાંકપિછડો શરૂ કર્યો તે ગુજરાના સોલંકી રાજ્ય દરમિયાન લગભગ સંપૂર્ણ બન્યો છે. બારમી સદીના કુમારપાળ અને તેરમી સદીના વસ્તુપાળ-તેજપાલે અહીં નવું કથાજગત વસાવ્યું તેનું પ્રદાન પણ નોંધવા જેવું છે.

સોલંકીકાળ પૂર્વે નેમિનાથ – રાજુલની જૈનકથા ગિરનાર સાથે મળે છે. શાસનદેવી અંબિકા અને કપર્દી જેવી યક્ષકથાઓ પણ છે. મધ્યકાળની મેલકવસીની કથા અને મરુદેવીની કથા સંખ્યાબંધ શ્રેષ્ઠીઓની કથાઓ ગિરનારમાં છે. દિગંબર અને શ્વેતાબંર એ બંને પરંપરાની જૈનકથાઓ આજે પણ વાંચવા – સાંભળવા મળે છે. બ્રાહ્મણ પરંપરામાં વિક્રમ, ભરથરી અને ગોપીચંદ સંબંધી કૌતુકરાગી કથાઓ છે, તેમ જૈનપરંપરામાં વિક્રમના પુત્રની કથાઓની વિશિષ્ટ પ્રવાહ થયો છે. પરાક્રમ દર્શાવીને અંતે જૈનધર્મમાં શાંતિ પામે. ગિરનારમાં આવી કથાઓ સાંભળવા મળે છે પણ નેમિનાથ અને રાજુલના નામે મંદિર અને ગુફા છે. આવાં કોઇ સ્થળો અદ્યાપિ જાણવામાં આવ્યા નથી. તળેટીથી બોરદેવીના રસ્તે જતાં દિગંબર જૈન ટેકરા પાસે ‘કાલકાચાર્યનો ટીંબો’ કહેવાય છે, કઠિયારા લોકો ‘કળટનો ટીંબો’ કહે છે. આ ટીંબો કોઇ કથા સંઘરીને બેઠો હોય એવું લાગે છે.

જૈનકથા બહુધા કોઈને કોઈ પૌરાણિક કથાના પરિવર્તન જેવી હોય છે. આવી કથાઓ લોકસમાજમાં ઝિલાયેલી નથી, પરિણામે પાંડવકથા સંબંધી જેટાલાં સ્થળો મળે તેટલાં કોઈ જૈનકથા સંબંધી મળતાં નથી.

આવું જ ચારણીકથાઓનું થયું છે. ખોડિયાર, બેલાડ વગેરે માતાસ્થાનો છે, પણ અન્ય ચારણીકથાઓનાં કોઈ સ્થાન મળતાં નથી. આમ જુઓ તો, બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન અને ઈસ્લામ કથાઓ કરતાં ચારણીકથાઓનું ફોકસ બદલાયેલું છે. બ્રાહ્મણ, જૈન વગેરે ધર્મકેન્દ્રી છે, જ્યારે ચારણ બહુધા રાજકેન્દ્રી છે. રા’ખેંગાર, રાણકદેવી વગેરે ઈતિહાસ અને સાથે સાથે ચારણીકથા પણ છે. આવાં ઈતિહાસકેન્દ્રી કથાઓના સ્થળોથી તો લગભગ આખો ગિરનાર ભર્યો પડ્યો છે. હેમચંદ્રાચાર્યજી શૃંગાર અને શૌર્યપ્રધાન જે અપભ્રંશ દુહાઓ આપે છે તે જૂનાગઢના ચુડાસમાના રાજકવિ લુણપાલ મહેડુ રચિત છે. ગિરનારથી થોડે દૂર ઢોલામારુના ભોંયરા કહેવાય છે ખરા. આવાં સ્થળોનો વ્યાપક સર્વે કરીને તેના કથાસાહિત્ય વિશે શોધકાર્યો થવાં ઘટે.

આપણાં મધ્યકાલીન કથાસાહિત્યમાં ‘સ્ત્રીચરિત્ર’ સંબંધી એક મોટો વર્ગ છે, જેમાં કામકથા અને ચાતુરીકથાઓ પણ વિશેષ પ્રમાણમાં છે. આવી કથાના ઘણા તંતુઓ આપણને ગિરનાર પરિક્રમાના મારગે મળ છે. ખાપરો – કોડિયો તો ઠેકઠેકાણે છે પણ એને ય ઠગી જતી સોનલદેની વાર્તા મથુરામાળ સાથે સંકળાયેલી છે. બીલખાથી મંડલિકપુર જતાં ગુડાજલી નદીના કાંઠે સોનબાઈના ભોંયરા કહેવાય છે. આ સ્થળસ સાથે પંચાસરના જયશિખરી ચાવડાની કથા પણ જોડાયેલી છે. જયશિખરીના મૃત્યુ પછી તેની રાણી રૂપસુંદરી બાળ વનરાજને લઈને ગિરનારના આ ભોંયરામાં રહેલી. લોકવાર્તા આમ જ ગતિ કરતી હોય છે, જેમાં ક્યારેક સાવ અલ્પ ઈતિહાસ અંશ જળવાયો હોય છે. પરિષદ પ્રકાશિત ‘સાહિત્યકોશ’ (અર્વાચીન)માં ‘ચાવડા ચરિત્ર’ લખનાર ૠષિરાજ  હરજીવન કુબેરજીની નોંધ છે. તેર અધ્યમાં વિભક્ત છંદોબદ્ધ આ દીર્ઘકાવ્યના સંપાદક ઉમિયાશંકર અજાણી જણાવે છે કે બાળ વનરાજને લઈને રૂપસુંદરીએ ગિરનાર વાસ કરેલો તેની નોંધ આ કાવ્યમાં મળે છે. આપણા મધ્યકાલીન કથાસાહિતયને આપણે ઈતિહાસકથાથી અને ધર્મકથાથી અલગ કરી શકીએ તેમ નથી.

ગિરનારની બહારની બાજુએ બીલખા આદિ જે સ્થળો છે તેની સાથે પણ આપણા મધ્યકાલીન કથાસાહિત્યના અનેક તંતુઓ ગૂંથાયેલા છે. બીલખા સાથે ‘ચેલૈયા આખ્યાન’ – શેઠ સગાળશાની કથા, ‘ચાવડા ચરિત્ર’ વનરાજની કથા, ખાપરા – કોડિયા સાથે સોનબાઈ કે સોનલદેની કથા, અને અર્વાચીન યુગના જ્યોતિર્ધર શ્રીમાન્ નથુરામ શર્મા તથા નવલિકાસમ્રાટ ‘ધૂમકેતુ’ની કથા – આપણી નજર હિન્દી, અંગ્રેજી કથાસાહિત્ય ઉપર છે, તેટલી તળભૂમિના કથા સાહિત્ય ઉપર નથી. આજકાલ પશ્ચિમમાં પાંગરી રહેલો ‘હિજીઓગ્રાફી’ (સંતસાધુની ચમત્કાર કથાઓ)નો અભ્યાસ ગિરનાર સંદર્ભે આગળ વધારવા જેવો છે. ગિરનારમાં સંત-સાધુ-સાંઈની જેટલી ચમત્કારકથાઓ મળે છે તેટલી ભાગ્યે જ કોઈ એક સ્થળ વિશે હશે. બીલખાના શાસક ખાંટ રાજવી અને જેરામભારતીની કથા અતિ જાણીતી છે. ‘ખાંટ સબ આંટ હો જાયેંગે’ – આવી કથાગર્ભે સંખ્યાબંધ કહેવતો આજે પણ અંદરના વિસ્તારમાં સાંભળવા મળે છે. દંતકથા, લોકકથા, પુરાકથા અને સંતકથાના અનેકવિધ નમૂનાઓ આજે ભવનાથના મેળામાં કે પરકમ્મા દરમિયાન ભજનરૂપે, રસોડારૂપે કે કથારૂપે સાંભળવા મળે છે.

કથાનિધિ ગિરનારનો એક રંગ સાંઈ-સુફી, પીર-ફકરી અને ઓલિયાઓ વિશેનો છે. જમિયલશા દાતાર સ્વતંત્ર અભ્યાસ માગે તેવો કથાસાહિત્યનો એક અજાયબ વિસ્તાર છે. આજુબાજુના ગામમાં કાવડ ફેરવીને રોટલા એકઠા કરતા સત્ દેવીદા અને મેકરણ ડાડાની માફક ‘જોળી’ ફેરવનાર ‘જમિયલ (જોળીવાળો)’ કહેવાય છે. ચિશ્તી સંપ્રદાયની આ પરંપરા હોવાનું અનુમાન મળે છે. સિંધમાંથી પીર પઠ્ઠાની સાથે જમિયલશા ગિરનારમાં આવેલા. બીલખા પાસેના રામનાથ ટેકરા ઉપર જેરામભારતી વગેરે દશનામ સાધુઓને મળેલા, પાછળથી આ ટેકરા ઉપર સંત કવિ મેકરણ અને ભોજા ભગત તથા ગંગાસતીના ગુરુ રામેતવનનો નિવાસ હતો. જમિયલશાએ ધૂણી ધખાવી તે મનસૂર શાહ, જેની ઐતિહાસિક રેખાઓ ‘હુહુ’ નામની નવલકથામાં મૂકી છે. ગેબનશા અને નવરંગશા જેવા ઓલિયાઓની કથાએ મળે છે. આજે દર વર્ષે એની નિશ્ચિત તિથિએ આ સૂફીસંતનો ઉર્ષ ભરાય છે અને એની જીવનકથાની કવાલિઓ સાંભળવા મળે છે. ‘દાતારની રાખડી’ સાથે પણ અનેક ચમત્કાર કથાઓ છે. દાતારનો એક હિન્દુ શિષ્ય જે ‘કમાલશા પીર’ થયો તેની કમાલકથાઓ પણ છે. કોયલો વજીર, સક્કરબાઈ અને રોશનશા વિશેના કથાત્મક દુહાઓ પણ છે. ‘જેઠો કહે કીડીની કતાર, ગોખ માથે વરે, એમ આવે રોગી અપાર, દ્વારે તારે દાતાર.’ દાતાર સાથે જ નગારચી પીર અને માઈ મિશરાની સીદી કથાઓ આપણા સાહિત્યમાં સાવ જુદી ભાત પાડનારી છે.

ગિરનાર સાથે અમવર્ગ વિશેષ ભાવે જોડાયેલો છે, આમવર્ગનો કથારસ ‘ચમત્કાર’ના પરિબળ ઉપર આધારિત હોય છે. આમ તો મધ્યકાલનું આ એક મુખ્ય ઘટક તત્વ છે. ગિરનારમાં તો ચમત્કાર પાણીના ઝરણાં જેવો સહજ ફૂટી નીકળતો કથારસ છે. અહીં એક પણ સાધુની જટા કે સાંઈની દાઢી, ચમત્કારના વાળ વિનાની નથી. દેવી રૂપે સ્ત્રીકથા છે તેટલી જ ડાકિની–સાકિની રૂપે છે, જૈનકથાઓએ એને કદાચ તિરસ્કારનું સ્વરૂપ આપ્યું છે. કથાસાહિત્યનો આ આખો ‘કૅમિકલ લોચો’ ગિરનારની ખોપરીમાં બરાબર બેસી ગયેલો છે. ભારતનો ક્યો આચાર્ય અને ક્યો સંત ગિરનારની મુલાકાતે નથી આવ્યો ? ગોરખ, કબીર, રામાપીર, જેસલતોરલ, રવિભાણ અને ત્રિકમભીમના ઓટલાઓ અહીં છે તો નાથસાધુઓનો ઘેઘુર વેલાવડ પણ એની અનેકાનેક વડવાઈઓ રોપતો આજે પણ જીવંત છે. અહીં શ્રી મહાપ્રભુજીની બેઠક છે તો જતિ સતીના સવરામંડપ પણ છે, અહીં ઘોરી-અઘોરી સાધુઓના ચમલ તણખાથી રાત રંગીન બને છે તો નરસિંહના પ્રભાતિયાથી સૂરજનો ઉદય થાય છે. કવિશ્રી ન્હાનાલાલે આવા ખોખડધજ ગિરનારને વારેવારે છાતીએ પાલવ સંકોરતી મુગ્ધા જેવો રહસ્યમય ગણાવેલો છે. આપણે ત્રિકમસાહેબની એક પંક્તિને ફેરવીને આમ કહીએ:

અઢારેય ભારતી તારી કથાયું ઝૂલે રે,

ફોર્યું દિયે છે ફૂલવાડી,

એવો ગરવો દાતાર,

ગિરનાર ! ગિરનાર !

46મું ગુજરાતી સાહિત્ય પરિષદ – 2011 | ઝાલર ટાણે સહુને આવકાર | 24 ડિસેમ્બર, 2011

પરમદિવસથી અહિં રૂપાયતનમાં 46માં ગુજરાતી સાહિત્ય પરિષદની શરૂઆત થઇ ગઇ. હું ગઇ કાલે સાંજે રૂપાયતન આવ્યો. રૂપાયતને બહુ જ સરસ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદનું આયોજન કર્યું છે. ગઇ કાલે તો સવારના જ્યારે સામૈયું થયું, ત્યારે તો બાપુએ રેકોર્ડ તોડી નાખ્યો. “સૌરાષ્ટ્ર કરે ગુજરાતનું સામૈયુ” ગીત જ્યારે ગાર્ગીબહેને ગાયું ત્યારે બાપુ પોતાને રોકી ન શક્યા અને સ્ટેજ પર જઇ રાસ – ગરબો લીધો. સૌએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો.

આજ સવારના ગુજરાતી સાહિત્ય પરિષદનાં ફોટા જુઓ.

This slideshow requires JavaScript.

ગુજરાતી સાહિત્ય પરીષદ – ૪૬મું અધિવેશન ૨૦૧૧

ગુજરાતી સાહિત્ય પરીષદ
૪૬મું અધિવેશન ૨૦૧૧

યજમાન: રૂપાયતન – જૂનાગઢ

શુકનવંતુ શબ્દ પર્વ: ૨૨-૨૫ ડિસેમ્બર – ૨૦૧૧

સ્થળ: રૂપાયતન પરિસર, ગિરી તળેટી, ભવનાથ, જૂનાગઢ.

નિમંત્રક:

ભગવતીકુમાર શર્મા – પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરીષદ
રાજેન્દ્ર પટેલ – મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરીષદ

પ્રફુલ્લ નાણાવટી – પ્રમુખ, રૂપાયતન
હેમંત નાણાવટી – કાર્યાધ્યક્ષ, રૂપાયતન

ઝાલર ટાણે… અમારૂં ઇજન…
મહાત્મા ગાંધીજીનું સત્ય અને મહર્ષિ ટાગોરનું સૌન્દર્ય, આ બંનેનો સમન્વય એટલે જ “સાંસ્કૃતિક સમન્વય ઝંખતું…રૂપાયતન”

રૂપાયતન સંસ્થા તેની યાત્રાના ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશે છે. ષષ્ટિપૂર્તિ એ આ યાત્રાનો મંગલ પડાવ છે. આપણા સહુ માટે આ અનેરું પર્વ છે.

આ પર્વ પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૬મું અધિવેશન જૂનાગઢી ભૂમિ ઉપર, રૂપાયતનના નિસર્ગરમ્ય પરિસરમાં યોજાઇ રહ્યું છે તેની પૂર્વ સંધ્યાએ રૂપાયતન પરિવારે એક વિશિષ્ટ સાંકૃતિક ઉપક્રમનું આયોજન કરેલ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ – ૪૬મું અધિવેશન
ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૪૬માં અધિવેશનનું આયોજન રૂપાયતન, જૂનાગઢનાં યજમાનપદે, રૂપાયતનનાં રૂપાળા પરિસરમાં તા. ૨૨-૨૩-૨૪-૨૫ ડિસેમ્બર, ૨૦૧૧ નાં રોજ કરવામાં આવ્યું છે. આ અધિવેશનનું અધ્યક્ષ સ્થાન સુવિખ્યાત સાહિત્યકાર અને સર્જક શ્રી ભોળાભાઇ પટેલ શોભાવશે તેમજ ઓડિયા ભાષાનાં સુપ્રસિધ્ધ સર્જક શ્રી મનોજ દાસ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ અધિવેશનનો શુભારંભ સમારોહ ૨૩મી ડિસેમ્બર, ૨૦૧૧નાં રોજ સવારે ૯-૦૦ કલાકે યોજેલ છે.

આ ગૌરવવંતા અવસરે સોરઠની સર્જન પરંપરાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલી સ્મારિકા “જાજવલ્યમાન જૂનાગઢ”નું લોકાર્પણ થશે અને સોરઠની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરવાતું પ્રદર્શન ખૂલ્લું મુકાશે.

અધિવેશનની નિયત બેઠકોમાં સાહિત્ય વિશેની વિચારણા વિવિધ વક્તાઓ દ્વારા કરવામાં આવશે, રાત્રિ બેઠકોમાં કાવ્ય સંગતી, સુગમ સંગીત અને નાટક જેવી સાંસ્કૃતિક કલાઓ પ્રસ્તુત થશે.

તળેટી સમિપે…હજુ કરતાલ વાગ્યા કરે છે…
રૂપાયતનની ષષ્ટિપૂર્તિ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૬માં અધિવેશનની પૂર્વ સંધ્યાને વધાવવાનો અવસર…

પ્યારા બાપુ

ગાંધીજી અને ગુરુદેવની જીવન સાધનાનું અનુશિલન કરતા માસિકનું પાંચ દાયકા બાદ રૂપાયતન ‘ષષ્ટિપૂર્તિ સ્મૃતિ વિશેષાંક’નું લોકાર્પણ.

લોકાર્પણ: શ્રી નીલાબેન નવીનભાઇ ગાંધી (રૂપાયતનના આદ્ય સ્થાપક)

અધ્યક્ષ:શ્રી નારાયણ દેસાઇ (ગાંધી કથાના જનક)

અતિથી વિશેષ: શ્રી પરિમલ નથવાણી (સાંસદ-ગૃપ પ્રેસીડેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
શ્રી નિતીન શુક્લ (એમ.ડી.-સી.ઇ.ઓ., હજીરા એલ.જી. એન્ડ પોર્ટ કંપનીઝ)
શ્રી હર્ષદ તિવેદી (મહામાત્ર – ગુજરાતી સાહિત્ય પરિષદ)

પ્રેમાશિષ: પૂ. મોરારી બાપુ

ગિરીવંદના: ગરવા ગિરનારની સેતુબંધ અલૌકિક છાયામાં…

સ્વરનિયોજન: આશિત દેસાઇ – આલાપ દેસાઇ

સ્વરાભિષક: આશિત દેસાઇ- હેમાંગીની દેસાઇ – આલાપ દેસાઇ

હસમુખ પાટડીયા – કલ્યાણી કૌઠાળકરના સ્વર સંગાથે

મયુર દવેનાં સંગીત સંચાલનમાં ગુજરાતી કવિતાનો સ્વરાભિષેક.

પરિકલ્પના: સલીલ મહેતા
આસ્વાદ: હેમંત નાણાવટી
(તા. ૨૨-૧૨-૨૦૧૧ સાંજના ૬-૦૦ થી ૮-૩૦)

કાવ્ય -  સંગીત આસ્વાદ
પ્રસ્તુતિ: અમર ભટ્ટ – ગાર્ગી વોરા – વિરાજ અમર

સંચાલન: માધવ રામાનુજ
(તા. ૨૩-૧૧-૨૦૧૧ રાત્રીના ૮-૩૦ કલાકે)

અપૂર્વ અવસર
કલાકારો: ધર્મેન્દ્ર ગોહિલ – પુલકિત સોલંકી – પ્રતિક ગાંધી
નાટ્યાલેખન: રાજુ દવે – મનોજ શાહ
સંગીત: સુરેશ જોષી
સ્વર: ઉદય મજમુદાર – સુરેશ જોષી
પ્રકાશ: ભૌતેશ વ્યાસ
રંગભુષા: સુભાષ આશર
ધ્વનિ: પ્રિતેશ સોઢા
વેશભુષા: રાજીવ ભટ્ટ – રીંકુ પટેલ – રચના પકાઇ
રંગમંચ વ્યવસ્થા: જનમ શાહ
(તા. ૨૪-૧૨-૨૦૧૧ રાત્રીના ૮-૩૦ કલાકે)

કાર્યક્રમ
તા. ૨૨-૧૨-૨૦૧૧ ગુરૂવાર સાંજે ૬-૦૦ થી ૮-૩૦
ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વ સંધ્યાએ ”ઝાલર ટાણે” અતંર્ગત રૂપાયતનની ‘ષષ્ટપૂર્તી’ પર્વની ઉજવણી – પ્યારાબાપુ સામાયિકના સ્મૃતિ વિશેષાંકનું લોકાર્પણ અને ગુજરાતી કવિતાનો સ્વરાભિષેક “તળેટી સમિપે…હજુ કરતાલ વાગ્યા કરે છે…”ની સાંગીતિક પ્રસ્તુતિ…

તા. ૨૩-૧૨-૨૦૧૧ શુ્ક્રવાર સવારે ૯-૦૦ થી ૧૨-૩૦
સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન: શ્રી રઘુવીર ચૌધરી
સામૈયું: સારસ્વતો, સર્જકોના આગમન સમયે મીનરાજ શૈક્ષણીક સંકુલથી રૂપાયતન પરિસર.

બેઠક પહેલી
ઉદ્ઘાટન સમારોહ
સ્વાગત વધામણા
માતૃભાષા વંદનાગાન, દિપ પ્રાગટ્ય
સ્વાગત મંત્રીનું ઉદ્ભોદન: શ્રી હેમંત નાણાવટી
સ્વાગત પ્રમુખનું ઉદ્બોદન: શ્રી પ્રફુલ્લચંન્દ્ર નાણાવટી
મહેમાનોનું સ્વાગત: યજમાન સંસ્થાના દ્વારા
પરિષદ મંત્રીનો વાર્ષિક અહેવાલ: શ્રી રાજેન્દ્ર પટેલ
નિવૃત થતા પ્રમુખશ્રીનું વક્તવ્ય: શ્રી ભગવતીકુમાર શર્મા
કાર્યભારની સોંપણી: શ્રી ભોળાભાઇ પટેલ
પ્રમુખશ્રીનો પરિચય: શ્રી રઘુવીર ચૌધરી
પ્રમુખશ્રીનું વક્તવ્ય: શ્રી ભોળાભાઇ પટેલ
અતિથિ વિશેષશ્રીનો પરિચય: શ્રી રાજેન્દ્ર પટેલ
અતિથિ વિશેષશ્રીનું વક્તવ્ય: શ્રી મનોજ દાસ
પ્રાસંગિક: અનિલા દલાલ, શ્રી નરોત્તમ પલાણ
સમાપન વક્તવ્ય: શ્રી મોરારી બાપુ
આભાર દર્શન: શ્રી નિરૂપમ નાણાવટી
સંચાલન: શ્રી રમેશ મહેતા

બેઠક બીજી
તા. ૨૩-૧૨-૨૦૧૧ શુક્રવાર બપોરે ૨-૩૦ થી ૫-૩૦
સર્જન વિભાગ: સાહિત્ય સ્વરૂપ – ટુંકી વાર્તા
વિભાગીય અધ્યક્ષ: શ્રી કિરીટ દૂધાત
સર્જક વક્તાઓ: શ્રી સુવર્ણાબેન, શ્રી મોહન પરમાર, શ્રી કાનજી પટેલ
સંચાલન: શ્રી વર્ષા અડાલજા

ત્રીજી બેઠક
તા. ૨૩-૧૨-૨૦૧૧ શુક્રવાર રાત્રે ૮-૩૦ થી ૧૦-૦૦
કાવ્ય – સંગીત આસ્વાદ
વિભાગીય અધ્યક્ષ: શ્રી અમર ભટ્ટ
સંચાલન: શ્રી માધવ રામાનુજ
પ્રસ્તુતિ: અમર ભટ્ટ, ગાર્ગી વોરા અને વિરાજ અમર

બેઠક ચોથી
તા. ૨૪-૧૨-૨૦૧૧ શનિવાર સવારે ૯-૦૦ થી ૧૨-૩૦
વિવેચન – સંશોધન વિભાગ
વિભાગીય અધ્યક્ષ: શ્રી દિપક મહેતા
વક્તાઓ: શ્રી રવિન્દ્ર પારેખ, શ્રી જયેશ ભોગાયતા, શ્રી કિશોર વ્યાસ
સંચાલન: શ્રી પ્રફુલ્લ રાવલ

બેઠક પાંચમી
તા. ૨૪-૧૨-૨૦૧૧ શનિવાર બપોરે ૩-૦૦ થી ૬-૦૦
પરિસંવાદ: ભાષાકિય કટોકટી
વિભાગીય અધ્યક્ષ: શ્રી અવધેશકુમાર સીંઘ
ટેક્નોલોજી અને ભાષા: શ્રી રૂપલ મહેતા
શિક્ષણ અને ભાષા: શ્રી રવિન્દ્ર દવે
સંસ્કૃતિ અને ભાષા: શ્રી વિષ્ણુ પંડ્યા
સંચાલન: શ્રી રતિલાલ બોરીસાગર

તા. ૨૪-૧૨-૨૦૧૧ શનિવાર રાત્રીના ૮-૩૦ થી ૧૧-૦૦
સાંસ્કૃતિક કાર્યક્રમ

શ્રીમદ્ રાજચંદ્રના જીવનકવન પર આધારીત નાટ્યાનુભૂતિ
મનોજ શાહ દિગ્દર્શિત
અપૂર્વ અવસર
સંચાલન: શ્રી જનક નાયક

તા. ૨૫-૧૨-૨૦૧૧ રવિવારે સવારે ૮-૦૦ થી ૯-૦૦
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ અનેકાર્યવાહક સમિતિની સંયુક્ત બેઠક

બેઠક છઠ્ઠી
તા. ૨૫-૧૨-૨૦૧૧ રવિવાર સવારે ૯-૦૦ થી ૧૧-૩૦
સોરઠની સર્જન બેઠક
વિભાગીય અધ્યક્ષ: શ્રી લાભશંકર પુરોહિત
સોરઠી લોકસાહિત્ય: શ્રી ઉપેન્દ્ર તિવેદી
ચારણી સાહિત્ય, સોરઠી સંત સાહિત્ય: શ્રી નિરંજન રાજ્યગુરુ
સોરઠી અર્વાચીન સાહિત્ય: શ્રી નીતિન વડગામા
સંચાલન: શ્રી હેમંત નાણાવટી

બેઠક સાતમી
તા. ૨૫-૧૨-૨૦૧૧ રવિવાર બપોરે ૧૧-૩૦ થી ૧-૦૦
ગુજરાતી સાહિત્ય પરિષદનું ખુલ્લું અધિવેશન અને સમાપન  બેઠક
ઠરાવો: પ્રતિભાવો અને આભારવિધિ
બપોરનાં ભોજન બાદ અધિવેશનની સમાપ્તિ થશે

વિનમ્રભાવે
અધિવેશનમાં ભાગ લેવા ઇચ્છતા પ્રતિનિધિઓએ ભોજન – ઉતારા શુક્લ ₹ ૨૦૦/- તથા પ્રતિનિધિ શુક્લ ₹ ૧૦૦/- મળી કુલ ₹ ૩૦૦/- ભરવાના રહેશે.

વિદ્યાર્થીઓએ ૫૦% રકમ ભરવાની રહેશે. (અહેવાલ રજુ કરનારને પ્રમાણ પત્ર આપવામાં આવશે)

સ્થાનિક પ્રતિનિધિઓને ઉતારા વ્યવસ્થા આપી શકાશે નહિ.

ભોજન-ઉતારા અને પ્રતિનિધિ શુક્લ તા. ૧૫-૧૨-૨૦૧૧ સુધીમાં રૂપાયતન, જૂનાગઢ ખાતે ભરી દેવાથી વ્યવસ્થા સરળ થશે. ત્યારબાદ સ્વીકારવામાં આવશે નહિ.

દરેક પ્રતિનિધિએ સ્વાગત કક્ષ સ્થળે નોંધણી કરાવવાની રહેશે અને અસલ પહોંચ રજુ કરી જરૂરી સામગ્રી મેળવી લેવા વિનંતી.