Archive for the ‘રૂપાયતન’ Category

વિકિસ્રોત: પ્રથમ વર્ષગાંઠ

બે દિવસ પહેલા તા.31/03/2013ના રોજ અહીં રૂપાયતન ખાતે અમે બધા વિકિપીડીયન્સ ભેગા થઇ, વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. કેટલાક મહિના પહેલા ઇમેલ આવ્યો કે આપણા વિકિસ્રોતને આગામી 27મી માર્ચે એક વર્ષ પૂર્ણ થાય છે, અને તેના સંદર્ભે આપણે સૌએ તેનો એક કાર્યક્રમ રાખવો જોઇએ. મને એ દિવસો યાદ આવી ગયો, કે જ્યારે અમે લોકો ગુજરાતી વિકિસ્રોત માટે નવા ડોમેઇનની અરજી કરેલ તથા 27મી માર્ચે તે ડોમેઇન એક્ટીવ કરવામાં આવેલ. ત્યારબાદ ધીરે ધીરે વિકિસ્રોત પર બધા કામ કરવા લાગ્યા. શરૂઆત ગાંધીજીના પુસ્તક “રચનાત્મક કાર્યક્રમ”થી કરી. આ પુસ્તકના સ્કેન કરેલા પાનાઓ બધા સક્રીય સભ્યોને ઇમેઇલ પર મોકલવામાં આવ્યા અને બધાએ પોતપોતાના ભાગમાં આવેલ પાનાઓને યુનિકોડ ફોન્ટમાં ટાઇપ કરી, તેને વિકિસ્રોતમાં અપલોડ કર્યાં. એ રીતે ધીરે ધીરે બીજા ઘણા બધા પુસ્તકો પર કાર્ય કર્યું, અને આખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવામાં આવ્યા. હાલ ગુજરાતી વિકિસ્રોત પર 2407 જેટલી કૃતિઓ અપલોડ થઇ ચુકી છે.

તા.31/03/2013ના રોજ બધા સવારના નવ વાગ્યાની આસપાસ આવવા લાગ્યા હતા. સવારના વહેલા ઉઠી, અને હું કાર્યક્રમની તૈયારી કરવા લાગ્યો, આખરે આખા કાર્યક્રમનો યજમાન તો હું જ હતો ને ! સભાખંડમાં બધુ ગોઠવ્યું તથા પ્રોજેક્ટર ચેક કરી લીધું. થોડીવાર થઇ ત્યાં વ્યોમભાઇ આવી ગયા. ત્યારબાદ અશોકભાઇ પણ આવ્યા. ધીરે ધીરે બધા આવવા લાગ્યા. ધવલભાઇ તથા શુશાંતભાઇ આવ્યા બાદ અમે ધવલભાઇનું લેપટોપ પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું. પછી મોબાઇલને લેપટોપ સાથે રીમોટ્લી કનેક્ટ કરવા અમે લોકો ઘણા મથ્યા પણ, તેમાં સફળતા મળી નહીં. ટેક્નોલોજીનો પુરેપુરો ઉપયોગ થાય, અને સ્લાઇડ બદલવા માટે કોઇએ લેપટોપ પાસે બેસવું ન પડે, એટલે મારો એવો આગ્રહ હતો કે આપણે લેપટોપને મોબાઇલ સાથે કનેક્ટ કરી લઇએ. પરંતુ તેમાં નિષ્ફળ જતાં, વ્યોમભાઇને લેપટોપનું સંચાલન કરવા બેસવું પડ્યું. બધાને બસેડ્યા, અને કાર્યક્રમની શરૂઆત કરી. રાવલસાહેબે (વાયરલેસ પી.આઇ. તથા પ્રમુખ, જાયન્ટ્સ ગૃપ) આગલી સાંજે પ્રાથર્ના તેઓ પોતે બોલશે તેમ જણાવેલ, એટલે મેં તેમના માટે હાર્મોનિયમ (પેટી) તૈયાર જ રાખી હતી. તેઓએ પ્રાર્થના ગાઇ સંભળાવી. તેઓ ગાવા (સાહિત્ય)ના શોખીન છે. બધાને ભક્તિમય કરી દીધા. અમે સંચાલન વ્યોમભાઇને સોંપેલ. વ્યોમભાઇએ કાર્યક્રમ આગળ ધપાવતા, બધાનું સ્વાગત કર્યું. ત્યારબાદ વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ હોય, તેની કેક કાપી અને બધાને ખવડાવી. ત્યારબાદ રાવલસાહેબે તેમનું પ્રવચન આપ્યું. અને તેના પછી રૂપાયતનના મેનેજીંગ ટ્રસ્ટી, હેમંતભાઇએ પ્રવચન આપ્યું. તેઓએ અમારા આ કાર્યક્રમને આવકારતા કહ્યું કે રૂપાયતન આવા (સાહિત્યના) કાર્યક્રમને હંમેશા આવકારે છે, અને તેમાં રૂપાયતનનો તન, મન, અને ધનથી સહયોગ રહેશે. તેમણે અમારા જેવા યુવાનોને આવી નવી પ્રવૃતિ કરવા પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે અમે તો પાનખર છીએ, પરંતુ આ નવી પેઢી વસંત છે. તે સાહિત્ય માટે કામ કરે છે, અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાહિત્યની સેવા કરે છે, એ જાણી ખુબ જ આનંદ થાય છે.

This slideshow requires JavaScript.

ત્યારબાદ ધવલભાઇએ તેમનું વિકિસ્રોતના ઇતિહાસ અંગેનું પ્રેઝેન્ટેશન આપ્યુ. જેમાં વિકિસ્રોત જ્યારે અંગ્રેજી વિકિસોર્સમાં હતું, ત્યારથી લઇને તેનું ગુજરાતી ડોમેઇન અસ્તિત્વામાં આવ્યું ત્યારસુધીનો ચિતાર આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ શુશાંતભાઇએ વિકિસ્રોત શું છે? તેને કઇ રીતે વાપરવું, તથા સક્રિય સભ્યોનો પરિચય આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ લંડન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક સભ્યનો વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તેનો સંદેશ વિડિયો બતાવવામાં આવ્યો. ત્યારબાદ વિકિસ્રોતના સભ્યોને સર્ટીફીકેટ તથા ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું.

એક નવીન વાત: તે દિવસે અમારા બધાથી અલગ પડે તેવા વિકિસ્રોતના એક સભ્ય; જેને તમે જોતા જ અચરજ થાય કે આ વિકિ સભ્ય હોઇ શક? સફેદ દાઢી, માથે ટોપી, તથા ભગવો વેશ… પહેલી નજરે તો એમ જ લાગ્યું કે આ તો કોઇ સાધુ મહાત્મા ભુલથી અહીં ચડી આવ્યા હશે. પરુંત પુછતાછ કરતાં ખ્યાલ આવે છે કે સાધુ – સ્વામી રાજેશ્વરગીરી છે. જેઓ વિકિના સભ્ય પણ છે. તેઓ વિકિસ્રોતને વાંચે છે, તેનો ઉપયોગ કરે છે, તથા ક્યારેક તેમનું યોગદાન પણ આપે છે. બપોરે જમતી વખતે મેં એ સ્વામીનું ઇન્ટરવ્યૂ લીધુ… તેઓ મોટી પાનેલી ગામે ખોડીયાર આશ્રમમાં રહે છે. તેઓ પોતે મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વાપરે છે. અને મોબાઇલથી જ ફેસબુક, ટ્વીટ્ટર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, તથા વિકિપીડિયા અને વિકિસ્રોત જેવી વેબસાઇટ સર્ફ કરે છે. મેં તેઓને લેપટોપ લેવા સુચન કર્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અત્યારે મારી પાસે મોબાઇલ છે તે પણ કેટલાકને પસંદ નથી. તેઓ એમ કહે છે કે તમારે (બાવાને) વળી મોબાઇલની શી જરૂર? પણ એક વાત ખરી, કે તેનું યોગદાન નોંધનીય છે.

કાર્યક્રમ પુરો કરી, જમ્યા બાદ બધા થોડીવાર ગુલમહોર નીચે બેઠા બેઠા ડાયરાની જમાવટ કરી. ત્યારબાદ અમે બધા ભવનાથમાં ગયા અને ઠંડુ પી બધા રવાના થયા.

*તાજા કલમ: હમણાં જ થોડીવાર પહેલા હું સિંહો જોઇને આવ્યો છું. એક નહીં, બે નહીં, પુરા 5 સિંહોને શિકાર કરતાં જોયાનો આનંદ હજૂ વિસરાતો નથી. એમ જ થતું હતું કે હજૂ જોતા જ રહીએ.

નરસિંહ મહેતા એવોર્ડ 2012 અને મનોજપર્વ 6 – મોકુફ

આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા

નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 નો કાર્યક્રમ હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 બન્ને કાર્યક્રમ હવે પછીની પુનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે તા.28/11/2012ના રોજ કૈલાશ ગુરુકુળ ખાતે યોજાશે.

નરસિંહ મહેતા એવોર્ડ 2012 | મનોજપર્વ 6

નરસિંહ મહેતા એવોર્ડ – 2012

“એક એવું ઘર મળે આ વિશ્વમાં

જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું”

“વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,

એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી”

-     માધવ રામાનુજ

એવોર્ડ અપર્ણ: પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ

કાવ્ય પાઠન: શ્રી માધવ રામાનુજ

વિશેષ વ્યક્તવ્ય: શ્રી રઘુવીર ચૌધરી

સન્નિધિ: શ્રી લાભશંકર પુરોહિત

સ્વર પ્રતિભા: શ્રી પીયુષ દવે

ઉદ્ઘોષણા: શ્રી અંકિત ત્રિવેદી

સમારોહ

શરદ પૂનમ, વાલ્મીકિ જયંતી, 29 ઓક્ટોબર, 2012 સાંજે 5:30

સ્થળ: રૂપાયતન પરિરસ, ગિરનાર તળેટી, ભવનાથ, જૂનાગઢ.

આ સમારોહનું પ્રસારણ “आस्था” ચેનલ દ્વારા અનુકુળતાએ કરવામાં આવશે.

“પાસપાસે તો ય કેટલાં જોજન દૂરનો આપણો વ્યાસ !

જમે કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.”

-     માધવ રામાનુજ

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેનાં સમગ્ર કવિતા-સર્જનને લક્ષમાં લઇને પ્રતિવર્ષ અપાતો ગુજરાતી કવિતાનો ગૌરવપ્રદ, સત્તરમો “નરસિંહ મહેતા એવોર્ડ”, સુપ્રસિદ્ધ કવિશ્રી માધવ રામાનુજને એનાયત થશે.

ગુજરાતના સાક્ષરો, વિદ્વજ્જોની ઉપસ્થિતિમાં કવિશ્રીનું સન્માન કરી, ₹ 1,51,000/- ના રાશિ સાથે, નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિચિહ્નનો 2012નો “નરસિંહ મહેતા એવોર્ડ” અર્પણ થશે.

ગુજરાતી સાહિત્યના આ ગૌરવવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

સ્નેહાધિન

હર્ષદ ચંદારાણા

મેનેજિંગ ટ્રસ્ટી

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ

ટ્રસ્ટી મંડળ

શ્રી રઘુવીર ચૌધરી – અધ્યક્ષ

શ્રી હરીશચન્દ્ર જોશી – કોષાઘ્યક્ષ

શ્રી હર્ષદ ચંદારાણા – કાર્યાધ્યક્ષ

શ્રી પ્રફુલ્લ નાણાવટી – ટ્રસ્ટીશ્રી

શ્રી લાભશંકર પુરોહિત – ટ્રસ્ટીશ્રી

શ્રી અનિલ ખંભાયતા – ટ્રસ્ટીશ્રી

પોસ્ટ બોક્ષ: 46, મહાત્મા ગાંધી રોડ, અમરેલી – 365 601


મનોજપર્વ – 6

“તળેટી જતાં એવું લાગ્યા કરે છે,

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.”

“બીજમાંથી સીધી પૂનમ દઇ દે!

સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ.”

1.નવલોહિયાનું કવિ સંમેલન

28 ઓક્ટોબર, 2012, રવિવાર, સાંજે 5:30

સ્થળ: રૂપાયત પરિસર, ગિરનાર તળેટી, ભવનાથ, જૂનગાઢ.

પ્રેરણાદાયી ઉપસ્થિતિ: પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ

દીપ-પ્રાગટ્ય: શ્રીમતી પૂર્ણિમાબહેન મોનજભાઇ ખંડેરિયા

કવિગણ સર્વશ્રી: પ્રણવ પંડ્યા, જાતુષ જોશી, ભાવેશ ભટ્ટ, મિલિન્દ ગઢવી, વિમલ અગ્રવાત, નિલેશ પટેલ, રાહુલ શ્રીમાળી

કવયિત્રીવૃંદ સર્વશ્રી: દિવ્યા મોદી, એષા દાદાવાલા, છાયા ત્રિવેદી, લક્ષ્મી ડોબરીયા

ઉદ્ઘોષણા: શ્રી પ્રણવ પંડ્યા

2.અદ્યતન ગુજરાતી દીર્ઘ કવિતા: વિવેચનાત્મક અભિવ્યક્તિ

29 ઓક્ટોબર, 2012, સોમવાર, સવારે 9:30

સ્થળ:શ્રીમતી એન.બી.કાંલિયા કન્યવિદ્યાલય, વંથલી રોડ, જૂનગાઢ.

અધ્યક્ષતા: શ્રી ચન્દ્રકાંત શેઠ

ભૂમિકા: શ્રી રઘુવીર ચૌધરી

ઉદ્ઘોષણા: શ્રી નીતિન વડગામા

વક્તવ્ય: સર્વશ્રી રમેશ મહેતા, દીપક રાવલ, સમીર ભટ્ટ, કુમાર જૈમિની શાસ્ત્રી અને યોગેશ જોશી

 

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢના પ્રથમ અધ્યક્ષ અને મૂર્ધન્ય કવિ શ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિમાં, આ ટ્રસ્ટના ઉપક્રમે “મનોજપર્વ-6’ ઉજવાશે.

કવિશ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિને શણગારવા આ અવસરે, ગરવી ગુજરાતી ગિરાના ઉભરતા તેજસ્વી અને યુવા કવિઓનું નવલોહિયાનું કવિસંમેલન યોજ્યું છે. તેમ જ ગુજરાતના સાક્ષરો, વિદ્વજ્જોની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારોનો અદ્યતન ગુજરાતી દીર્ઘ કવિતા: વિવેચનાત્મક અભિવ્યક્તિ અંતર્ગત વાર્તાલાપ સંપન્ન થશે.

ગુજરાતી સાહિત્યના આ ગૌરવવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

સ્નેહાધીન

હર્ષદ ચંદારાણા

મેનેજિંગ ટ્રસ્ટી

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધી